કાનુડે કવરાવ્યાં

– શાહબુદ્દીન રાઠોડ

સારા મુરતિયાને વટાવવાનું કામ સહેલું છે, પણ દુકાળના વરસમાં નબળા બળદને વેચવા જેટલું કપરું કામ મોળા મુરતિયાને ડાળે વળગાડવાનું છે. કાનજીની કઠણાઈ પણ આ જ હતી. કાનજી માથે વીહ વીહ વરહ અલગોઠિયાં ખાઈ ગયાં હતાં, પણ કાનજી હજી થાળે નહોતો પડ્યો. ઝરમર ઝરમર વરસાદ વરસતો. માણહ માતરના હૈયાં હરખાતાં. જુવાનિયા પોતાનાં બૈરાંને લઈ તરણેતરના મેળે જવા રવાના થતાં તંયે કાનજીનો જીવ ચકરાવે ચડી જતો. પોતે પણ પરણ્યો હોય, હારે ફુલફટાક બૈરું હોય, નાનકાને ખંભે બેહાર્યો હોય, ઝીણકી એની માની આંગળીએ હાલી આવતી હોય, વચ્ચે વચ્ચે નાનકડા બે હાથ ઊંચા કરીને પોતાને તેડી લેવા વીનવતી હોય, મેળામાં ચકડોળની એક જ પાલખીમાં ચારેય ગોઠવાઈ ગયાં હોય, ઢોલ વાગતા હોય, માનવમહેરામણ હેલે ચડ્યો હોય… કાનજી કલ્પનામાં ખોવાઈ જતો, ‘અરે! હું સંસારના લહાવા લઈ શકીશ?’ આવા નિહાકા મંડતો નાખવા. અમને ભાઈબંધોને કાનજીની ચિંતા નહોતી એમ નહોતું પણ અમારાં ઠેકાણાં તો પડવાં જોઈએને?

એમાં સતાપરથી કાનજીને જોવા મે’માન આવ્યા. સૌએ ભેગા થઈને કાનજીને રૂડો કરી દેખાડ્યો. વાત પાકે પાયે થઈ. કાનજીનું સગપણ થયું ને ગામે ગોળ વહેંચ્યો. ધામધૂમથી કાનજીનાં લગ્ન પણ થયાં અને જે ઘડીની કાનજી રાહ જોતો હતો તે મિલનની ઘડી આવી પહોંચી. કાનજી વારેઘડિયે સૂરજ જોતો. એને થાતું આજ સૂરજનારાયણના ઘરમાંય બોલાચાલી થઈ ગઈ છે. નકર આમ સાવ મોળી ચાલ નો હોય. સાંજ પડતાં જ મગન વાળંદની દુકાને દાઢીનો લપેટો લેવરાવી, એક આનાનું સુગંધી તેલ માથામાં નખાવી, તરભોવન કંદોઈની દુકાનેથી ગાંઠિયા-પેંડાના નાસ્તાનાં પડીકા બંધાવી કાનજી ઘરે આવ્યો.

ધીરેથી બારણું હડસેલી ઓરડામાં દાખલ થયો. કંકુ પણ ભોળી, ગામડાની કોડભરી ક્ધયા હતી. એના હૈયામાં પણ હરખ હતો. શરમને લીધે એ આખો ઢોલિયો મૂકીને પાંગતે બેઠી હતી. કાનજીના આગમન હારે એનું હૈયું મંડ્યું જોરથી ધબકવા. કાનજીએ પડીકાં એક કોર મૂક્યાં. કંકુ સામે જોયું ત્યાં પાકું કરેલું બધું ભૂલી ગયો. તોય છૂટક છૂટક વાક્ય બોલ્યો, ‘તને મેં મેળામાં જોઈ હતી… તું ને રુખી પાલખીમાં બેઠાં. એના પછીની પાલખીમાં હું ને રઘો હતા… તારા બે આના મારે દેવા’તા પણ હિંમત નો હાલી.’ કંકુ આટલું સાંભળી જરાક હસી. એટલામાં તો ચોમાસામાં મોર થનગનાટ કરે એમ કાનજીનું હૈયું નાચી ઊઠ્યું. કાનજીએ પડીકાં કાઢ્યાં. આગ્રહ કરીને કંકુને પેંડો ખવરાવ્યો.

કંકુના આનંદથી કાનજીનો જુસ્સો વધ્યો. કંકુને વધુ ખુશ કરવા તે અધીરો થઈ ઊઠ્યો. કાનજીએ કંકુને પૂછ્યું, ‘તારે ગીત સાંભળવું છે?’ કંકુને એમ કે ક્યાંકથી લાવીને તાવડીવાજું વગાડશે એટલે તેણે હા પાડી. તરત જ કાનજી ખૂણામાંથી મોટી પિત્તળની ગોળી ઢસડીને ઢોલિયા પાહે લાવ્યો. ગોળીમાં મોઢું નાખી ગાવાથી અવાજ સારો લાગે છે એવો કાનજીને વહેમ હતો. ગોળા પરથી બુઝારું હાથમાં લઈ એની પાછળ મોઢું રાખી એ ક્યારેક ગાતો પણ ખરો. તેને થયું ગોળીમાં મોં રાખવાથી અવાજમાં ઘોર પડે છે. કાનજીએ ગોળીમાં મોઢું નાખ્યું અને ગીત ઉપાડ્યું, ‘કુંવર દેવકીના કાન તમે મારા મે’માન. એ પૂરું થાય ત્યાં ‘કાનુડે કવરાવ્યાં ગોકુળિયામાં’ રજૂ કર્યું. રજૂ થતા ગીતના શબ્દો કે એ શબ્દને મળેલ સ્વરના સથવારા સાથે કંકુને કશી લેવાદેવા નહોતી. પોતાને રાજી કરવા પોતાનો ભરથાર કેવો દુ:ખી થાય છે એ જ એ તો જોઈ રહી હતી. કંકુને દયા આવી. એણે કાનજીને ખભે હાથ મૂક્યા. એમાં કાનજીએ શેણી-વિજાણંદના દુહા માંડ્યા ફટકારવા. કંકુએ કહ્યું, ‘હવે બહાર નીકળો.’

કાનજી જાળવીને નીકળવા ગયો પણ ગમે તે થયું એ માથું કાઢી ન શક્યો. તેણે ફરી અંદર નાખી દીધું. જરાક ત્રાંસા થઈ ફરી પ્રયાસ કર્યો પણ સફળતા મળી નહીં. કંકુએ પણ મહેનત કરી. હવે કાનજી મૂંઝાઈ ગયો. ગોળીસોતો ઊભો થઈ ગયો અને ગલગોઠિયું ખાઈ ભીંત હારે ભટકાણો. લોટામાં દૂધ પીવા જતાં બિલાડીનું માથું સલવાઈ રહે અને પછી એ માથું બહાર કાઢવા ધમપછાડા કરે બરાબર એમ કાનજી વલખાં માંડ્યો મારવા. પણ માથું ન નીકળ્યું તે ન નીકળ્યું. એ ગોળીમાં રોવા મંડ્યો. કંકુનું હૈયું પણ હાથ ન રહ્યું. એણે જોરથી મોં વાળ્યું. અમે પડોશમાંથી કાનજીને ઘરે પહોંચ્યા. ઘરના જાગી ગયા. અમે બારણું ખખડાવ્યું. અને કંકુએ બારણું ખોલ્યું, અમે દાખલ થતાં જ જે દૃશ્ય જોયું એનાથી અવાચક થઈ ગયા.

પ્રાણલાલ અને પ્રવીણે એક જ પ્રશ્ર્ન ઉપાડ્યો, ‘કાનજી ગોળીમાં સલવાણો કઈ રીતે?’ કંકુ તો રોતી રોતી એક જ વાત કહેતી હતી, ‘મેં કાંઈ નથી કર્યું’

કનક ગાંધી કહે, ‘બધી લપ મૂકીને આને પહેલાં બાર તો કાઢો.’ અમે કાનજીના પગ તરફ રહ્યાં. તેના ઘરના માથા તરફ રહ્યાં. કાનજીને ઊંચો લઈ લીધો. સમુદ્રમંથન માટે દેવ-દાનવ સામસામા ગોઠવાય એમ અમે ગોઠવાઈ ગયા. બધાએ એકસામટી મહેનત કરી પણ કાનજીનો છુટકારો ન થયો. ઊલટાની એણે રાડ પાડી. અમે તરત નીચે સૂવરાવી દીધો. કાનજી હવે અધમૂઓ થઈ ગયો. મેં તરત લખમણ લુહારને બોલાવી લાવવા થોભણને કીધું. થોભણ ગયો અને છીણી હથોડી સાથે લુહારને બોલાવી લાવ્યો.

લખમણ લુહારે પણ પહેલાં પૂછ્યું, ‘આ સલવાણો કઈ રીતે?’ અમે કહ્યું, ‘પે’લાં આને કાઢવાનું કાંઈક કરો!’ લખમણે ગોળી, ગોળીનો કાંઠો, ઘેરાવો-જાડાઈ બધું જોઈને નિર્ણય જાહેર કર્યો, ‘અત્યારે ફરતો કાંઠલો કાપી શ્ર્વાસ લીધા જેવું કરી દઉં. બાકીનો કાંઠો અહીં નહીં કપાય. એ કાલે કોડમાં કાપવો પડશે.’ તરત કાર્યવાહી શરૂ થઈ. અમે કાનજીને ઊંધો પકડી રાખ્યો. પગ ઉપરથી ઝાલી રાખ્યો. માથું નીચે રાખીને કાંઠા ફરતી લખમણે ધીરે ધીરે મહામહેનતે ગોળી કાપી દીધી. ખાલી ગોળીનો કાંઠો કાનજીના ગળામાં રહ્યો. હરાયા ઢોરને ગળામાં ગાળિયો રહે એમ ગોળીને ખૂણામાં ફગાવી દેવામાં આવી. વહેલી સવારે ગામમાં ફંફેરો ન થાય એટલા ખાતર અમે કાનજીને ઉપાડ્યો. લખમણને જગાડી કોડ્ય ઊઘડાવી. કાનજીને શીર્ષાસન કરાવી અધ્ધર પકડી રાખ્યો. લખમણે ચોરસ કોઢાનો લાગ કરી, એક ઠેકાણેથી કાંઠો કાપવાનું શરૂ કર્યું. હથોડીના થડકારે કાનજી કણસતો…પણ શું થાય? ધીમે ધીમે કાંઠલો કપાતો ગયો અને છેવટે કાનજી મુક્ત થયો.

અમે ઘણો ખટકો રાખ્યો છતાં વાયુવેગે વાત ગામમાં ફેલાઈ ગઈ અને સોએક માણસોને સમૂહ કાનજીની મુક્તિ જોવા ઊમટી પડ્યો.

કાંઠો અને ગોળી બંને ભંગારમાં પીતાંબરદાસ કંસારાની દુકાને મોકલી આપવામાં આવ્યાં. જે રકમ આવી એ લખમણ લુહારને આપવામાં આવી. આખી વિગત તો બીજે દિવસે કંકુએ કહી ત્યારે અમે જાણી.

થોડાં વરસ સુધી કાનજીને તકલીફ રહી. નાના છોકરા એને જોઈ ‘કાનુડે કવરાવ્યાં ગોકુળિયામાં…’ શરૂ કરતા અને કાનજી ખિજાઈને પાછળ દોડતો. ગામની યુવતીઓ પણ કાનજીને ભાળી જતી તો કહેતી, ‘કંકુએ વરત માતર કર્યાં હશે નકર આવો વર ક્યાંથી મળે?’ કાનજી એમના પર ખિજાતો અને હસીને સૌ દોડી જતી.

ગામમાં ઘણી વાર બહારગામથી મહેમાન આવ્યા હોય એને તેડીને ઘરધણી કાનજીને બતાવતા અને કહેતા, ‘આ હું કહેતો હતો ઈ કાનજી.’ એક જ ભૂલે કાનજી વિનમ્ર બની ગયો. કંકુને કાંઈ પણ ક્રોધમાં કહેવા જતો ત્યાં કંકુ કહેતી, ‘ભલે મારામાં સમજણ ન હોય પણ અમે કોઈ દી ગોળીમાં માથું નાખીને ગીત નથી ગાયાં.’ કાનજી તરત નરમઘેંશ જેવો થઈ જતો.

વર્ષો પછી કાનજી પોતે પોતાની મૂર્ખાઈ પર હસી શકે એટલો નિખાલસ થઈ ગયો છે. એ જ પોતાની વાત માંડે છે. મને થોડા દિવસ પહેલાં મળ્યો અને અમે વાતોએ ચડ્યા. કાનજી મને કહે, ‘સાહેબ, આખા મલકનું લખો છો તે બે વેણ મારાંય કોક દી લખોને. ભલેને જગત જાણે. જુવાનીમાં સાહેબ, કોણ ભૂલ નથી કરતું? કોઈ જુગારમાં ઘર ને ખોરડાં હારી જાય છે તો કોઈ વ્યસનમાં અટવાઈને આખા ખાનદાનને ખેદાનમેદાન કરી નાખે છે. મેં એવું તો નથી કર્યું? સૌને બે ઘડી મોજ આવશે.’

હું કાનજી સામે જોઈ રહ્યો. મને થયું કે દરેક માણસ જાતનો સ્વીકાર કરે તો? પોતે જેવો છે તેવો સ્વીકારી લે તો? સમાજ સ્વર્ગ બની જશે.


This piece is taken from Shahabuddin Rathod’s book Hasyano Darbar.
Note: If you have any media links of songs mentioned here, kindly share them in the comments.

Advertisements