લખડો ગાંડો

છોકરાં  બધાં વાંસે વાંસે ફરે. એક મોટી ઘીંઘ. લખડો આ શેરીમાં જાય તો છોકરા એ શેરીમાં જાય, ને લખ્ડો બીજી શેરીમાં જાય તો સૌ તેમાં જાય.

“લખડો ગાં…ડો! લખડો ગાં…ડો!” કરીને બધા લખડાને ખીજવે.

લખડો શું કામ ખિજાય? એ તો એની મેળે જવું હોય ત્યાં જાય,  ને આવવું હોય ત્યાં આવે.

લખડા નો વેશ ચીંથરિયો. ચીંથરાં ચીંથરાં બાંધીને મોટો ઝભ્ભો કરેલો, એ લખડો પેહેરે. એને જોઇને ગામનાં કૂતરાં ય ભસે. નાનાં છોકરાં તો એને જોઇને ઘરમાં સંતાઈ જાય. “ઓય બાપ રે! લખડો આવ્યો.”

રસ્તામાં જે પડયું હોય તે લખડો ઉપાડે. કોડી, બંગડી, કૂંચી, ભાંગેલું તાળું, સદી ગયેલું બુતાન, તૂટી ગયેલા કાચ ના હીરા, નાખી દીધેલા ડાબલાં – જે હાથ આવે તે લખડો ઉપાડે! ને પછી એક દોરીમાં બધાંને બાંધીને મોટો હાર કરીને પહેરે.

ગામ બધું એને ‘લખડા ગાંડા’ ને નામે ઓળખે. ગાંડા જેવોજ ખરો ને? બોલે તોયે ગાંડા જેવું, ચાલે તોયે ગાંડા જેવું; એનું બધું ગાંડું ગાંડું.

છોકરાં કાંકરા મારે, તો લખડો કાંકરા લઈને ચીન્દરીંએ બાંધે. છોકરાં કેહશે: “લખડો વાં…દરો! લાખડી વાં….દરી!” તો લખડો સામે હસે. છોકરાં કહે: “લખડઆ, કૂદકા માર જોઈએ?” તો લખડો કૂદકા મારે. કહે: “રોવા મંડ જોઈએ ? ” તો લખડો રોવા માંડે.

લખડા ને ઘરે નહિ ને બારે નહિ. જ્યાં ઉભા ત્યાં એનું ઘર, અને જ્યાં ઉભા ત્યાં એનું બાર. ઠામઠીંકરું તો હોય જ શાનું કે લખડા ને સાચવવું પડે? પંડ સાથે બધું આવ્યું.

ભૂખ લાગે તો લખડો કોઈને ત્યાં જઈને ઉભો રહે ને કહે: “ખાવા દેશો?” આપે તો ઠીક, નહિ તો બીજે ઘેર। પાંચ-સાત ઘર ફરે, મળે તેટલું ખાય, નહિતર ભૂખ્યો તો રહે જ. લખડાને વાસણમાં કોણ ખાવા આપે? લખડો કહેશે: “મારા હાથમાં આપો, હું એમ ને એમ ખાઈ જાઉં.” દાળ હાથમાં લે, રોટલા ય હાથમાં લે, ને ભાતેય હાથમાં લે.

વરસાદ આવે તો લખડો ક્યાંક ભીંત વાસે ઉભો રહે. શિયાળામાં ટાઢ વાય એટલે લખડો કૂતરાંની ભાઈબંધી કરે। ગાલૂડિયાંને ને કૂતરાને પાસે સુવડાવે. કૂતરા પણ એને બહુ હળેલા. લખડો માગી આણેલ રોટલામાંથી અડધો કૂતરાને આપે ને અડધો પોતે ખાય.

કોઈ કહેશે: “આવો ગાંડો તે કેવો?” ગાળો દઈએ તો કહેશે: “ભગવાન તમારું ભલું કરશે.” પગ બળતા હોય ને જોડા આપીએ તો કહેશે: “કોઈ ગરીબને આપજો – મારા પગ જ જોડા છે.”

પુરુષો તો બધા કામમાં હોય, એ લખડાની સામેય ક્યાંથી જુએ? ઘર આગળ લખડો બેઠો હોય ને પોતે ઘેર આવે તો કહેશે: “ત લખડા! અહિં કેમ બેઠો છે?” અમલદાર આવે તો પટાવાળાને કહેશે: “આ લખડાને કાઢો અહીંથી – આંટા મારે છે, તે માળો ચોર જેવો લાગે છે!” લખડો કહ્યા પેહલાંજ ઉભો થઈને ચાલ્યો જાય.

નવરાં બૈરાંઓ લખડાને બોલાવે અને પૂછપરછ કર્યા કરે: “લખડા! તું વાણીયો કે બ્રાહમણ?”

લખડો કહેશે: “આપણે તો એકેય જાત નહિ .”

“લખડા! અલ્યા, તું જેનું તેનું ખાય છે, તે વટલાય નહિ?”

“રોટલા તો બધાના સરખા જ છે ને? એમાં વાતાલવું’તું શું?”

“અલ્યા લખડા, આ વઘારણી ખાંડી દે; બે પૈસા આપીશ.”

લખડો કહેશે: “લાવો ને બાપુ! પૈસા નું શું કામ છે? એમ ને એમ ખાંડી આપતા ક્યાં દુઃખ પડે છે? પૈસા પાછો સાચવું ક્યાં? એ પૈસા તમારે ઘેર સારા.”

લખડો દિવસ આખો આંટા માર્યા કરે. કોઈ ગાય પૂંછડે પડી હોઈ તો એને ઉભી કરે, કોઈક બિચારી બકરી ને વાણીયો મારે તો લખડો હાથથી પંપાળીને એને રમાડે, કોઈ ચકલીનું બચ્ચું માલમાંથી હેઠે પડી જાય તો પાંજરાપોળમાં મૂકી આવે.

લખડો એવું એવું કરે, દિવસ આખો ચાલ્યો જાય. રાત પડે. લખડો ગામ બહાર ચાલ્યો જાય. દૂર દૂર નદીકાંઠે એક ભોંયરા જેવો ખાડો; એમાં જઈને લખડો બેસે. ભજન કરે ને ભગવાન ભજે.

ખરેખર, લખડો શું ગાંડો હશે?

– ગિજુભાઈ બધેકા

કોઈ ભુલો પડેલો આત્મા કેવો હોય તે જાણવું હોય તો આ વાર્તા કામ લાગે.

Advertisements