કાનુડે કવરાવ્યાં

– શાહબુદ્દીન રાઠોડ

સારા મુરતિયાને વટાવવાનું કામ સહેલું છે, પણ દુકાળના વરસમાં નબળા બળદને વેચવા જેટલું કપરું કામ મોળા મુરતિયાને ડાળે વળગાડવાનું છે. કાનજીની કઠણાઈ પણ આ જ હતી. કાનજી માથે વીહ વીહ વરહ અલગોઠિયાં ખાઈ ગયાં હતાં, પણ કાનજી હજી થાળે નહોતો પડ્યો. ઝરમર ઝરમર વરસાદ વરસતો. માણહ માતરના હૈયાં હરખાતાં. જુવાનિયા પોતાનાં બૈરાંને લઈ તરણેતરના મેળે જવા રવાના થતાં તંયે કાનજીનો જીવ ચકરાવે ચડી જતો. પોતે પણ પરણ્યો હોય, હારે ફુલફટાક બૈરું હોય, નાનકાને ખંભે બેહાર્યો હોય, ઝીણકી એની માની આંગળીએ હાલી આવતી હોય, વચ્ચે વચ્ચે નાનકડા બે હાથ ઊંચા કરીને પોતાને તેડી લેવા વીનવતી હોય, મેળામાં ચકડોળની એક જ પાલખીમાં ચારેય ગોઠવાઈ ગયાં હોય, ઢોલ વાગતા હોય, માનવમહેરામણ હેલે ચડ્યો હોય… કાનજી કલ્પનામાં ખોવાઈ જતો, ‘અરે! હું સંસારના લહાવા લઈ શકીશ?’ આવા નિહાકા મંડતો નાખવા. અમને ભાઈબંધોને કાનજીની ચિંતા નહોતી એમ નહોતું પણ અમારાં ઠેકાણાં તો પડવાં જોઈએને?

એમાં સતાપરથી કાનજીને જોવા મે’માન આવ્યા. સૌએ ભેગા થઈને કાનજીને રૂડો કરી દેખાડ્યો. વાત પાકે પાયે થઈ. કાનજીનું સગપણ થયું ને ગામે ગોળ વહેંચ્યો. ધામધૂમથી કાનજીનાં લગ્ન પણ થયાં અને જે ઘડીની કાનજી રાહ જોતો હતો તે મિલનની ઘડી આવી પહોંચી. કાનજી વારેઘડિયે સૂરજ જોતો. એને થાતું આજ સૂરજનારાયણના ઘરમાંય બોલાચાલી થઈ ગઈ છે. નકર આમ સાવ મોળી ચાલ નો હોય. સાંજ પડતાં જ મગન વાળંદની દુકાને દાઢીનો લપેટો લેવરાવી, એક આનાનું સુગંધી તેલ માથામાં નખાવી, તરભોવન કંદોઈની દુકાનેથી ગાંઠિયા-પેંડાના નાસ્તાનાં પડીકા બંધાવી કાનજી ઘરે આવ્યો.

ધીરેથી બારણું હડસેલી ઓરડામાં દાખલ થયો. કંકુ પણ ભોળી, ગામડાની કોડભરી ક્ધયા હતી. એના હૈયામાં પણ હરખ હતો. શરમને લીધે એ આખો ઢોલિયો મૂકીને પાંગતે બેઠી હતી. કાનજીના આગમન હારે એનું હૈયું મંડ્યું જોરથી ધબકવા. કાનજીએ પડીકાં એક કોર મૂક્યાં. કંકુ સામે જોયું ત્યાં પાકું કરેલું બધું ભૂલી ગયો. તોય છૂટક છૂટક વાક્ય બોલ્યો, ‘તને મેં મેળામાં જોઈ હતી… તું ને રુખી પાલખીમાં બેઠાં. એના પછીની પાલખીમાં હું ને રઘો હતા… તારા બે આના મારે દેવા’તા પણ હિંમત નો હાલી.’ કંકુ આટલું સાંભળી જરાક હસી. એટલામાં તો ચોમાસામાં મોર થનગનાટ કરે એમ કાનજીનું હૈયું નાચી ઊઠ્યું. કાનજીએ પડીકાં કાઢ્યાં. આગ્રહ કરીને કંકુને પેંડો ખવરાવ્યો.

કંકુના આનંદથી કાનજીનો જુસ્સો વધ્યો. કંકુને વધુ ખુશ કરવા તે અધીરો થઈ ઊઠ્યો. કાનજીએ કંકુને પૂછ્યું, ‘તારે ગીત સાંભળવું છે?’ કંકુને એમ કે ક્યાંકથી લાવીને તાવડીવાજું વગાડશે એટલે તેણે હા પાડી. તરત જ કાનજી ખૂણામાંથી મોટી પિત્તળની ગોળી ઢસડીને ઢોલિયા પાહે લાવ્યો. ગોળીમાં મોઢું નાખી ગાવાથી અવાજ સારો લાગે છે એવો કાનજીને વહેમ હતો. ગોળા પરથી બુઝારું હાથમાં લઈ એની પાછળ મોઢું રાખી એ ક્યારેક ગાતો પણ ખરો. તેને થયું ગોળીમાં મોં રાખવાથી અવાજમાં ઘોર પડે છે. કાનજીએ ગોળીમાં મોઢું નાખ્યું અને ગીત ઉપાડ્યું, ‘કુંવર દેવકીના કાન તમે મારા મે’માન. એ પૂરું થાય ત્યાં ‘કાનુડે કવરાવ્યાં ગોકુળિયામાં’ રજૂ કર્યું. રજૂ થતા ગીતના શબ્દો કે એ શબ્દને મળેલ સ્વરના સથવારા સાથે કંકુને કશી લેવાદેવા નહોતી. પોતાને રાજી કરવા પોતાનો ભરથાર કેવો દુ:ખી થાય છે એ જ એ તો જોઈ રહી હતી. કંકુને દયા આવી. એણે કાનજીને ખભે હાથ મૂક્યા. એમાં કાનજીએ શેણી-વિજાણંદના દુહા માંડ્યા ફટકારવા. કંકુએ કહ્યું, ‘હવે બહાર નીકળો.’

કાનજી જાળવીને નીકળવા ગયો પણ ગમે તે થયું એ માથું કાઢી ન શક્યો. તેણે ફરી અંદર નાખી દીધું. જરાક ત્રાંસા થઈ ફરી પ્રયાસ કર્યો પણ સફળતા મળી નહીં. કંકુએ પણ મહેનત કરી. હવે કાનજી મૂંઝાઈ ગયો. ગોળીસોતો ઊભો થઈ ગયો અને ગલગોઠિયું ખાઈ ભીંત હારે ભટકાણો. લોટામાં દૂધ પીવા જતાં બિલાડીનું માથું સલવાઈ રહે અને પછી એ માથું બહાર કાઢવા ધમપછાડા કરે બરાબર એમ કાનજી વલખાં માંડ્યો મારવા. પણ માથું ન નીકળ્યું તે ન નીકળ્યું. એ ગોળીમાં રોવા મંડ્યો. કંકુનું હૈયું પણ હાથ ન રહ્યું. એણે જોરથી મોં વાળ્યું. અમે પડોશમાંથી કાનજીને ઘરે પહોંચ્યા. ઘરના જાગી ગયા. અમે બારણું ખખડાવ્યું. અને કંકુએ બારણું ખોલ્યું, અમે દાખલ થતાં જ જે દૃશ્ય જોયું એનાથી અવાચક થઈ ગયા.

પ્રાણલાલ અને પ્રવીણે એક જ પ્રશ્ર્ન ઉપાડ્યો, ‘કાનજી ગોળીમાં સલવાણો કઈ રીતે?’ કંકુ તો રોતી રોતી એક જ વાત કહેતી હતી, ‘મેં કાંઈ નથી કર્યું’

કનક ગાંધી કહે, ‘બધી લપ મૂકીને આને પહેલાં બાર તો કાઢો.’ અમે કાનજીના પગ તરફ રહ્યાં. તેના ઘરના માથા તરફ રહ્યાં. કાનજીને ઊંચો લઈ લીધો. સમુદ્રમંથન માટે દેવ-દાનવ સામસામા ગોઠવાય એમ અમે ગોઠવાઈ ગયા. બધાએ એકસામટી મહેનત કરી પણ કાનજીનો છુટકારો ન થયો. ઊલટાની એણે રાડ પાડી. અમે તરત નીચે સૂવરાવી દીધો. કાનજી હવે અધમૂઓ થઈ ગયો. મેં તરત લખમણ લુહારને બોલાવી લાવવા થોભણને કીધું. થોભણ ગયો અને છીણી હથોડી સાથે લુહારને બોલાવી લાવ્યો.

લખમણ લુહારે પણ પહેલાં પૂછ્યું, ‘આ સલવાણો કઈ રીતે?’ અમે કહ્યું, ‘પે’લાં આને કાઢવાનું કાંઈક કરો!’ લખમણે ગોળી, ગોળીનો કાંઠો, ઘેરાવો-જાડાઈ બધું જોઈને નિર્ણય જાહેર કર્યો, ‘અત્યારે ફરતો કાંઠલો કાપી શ્ર્વાસ લીધા જેવું કરી દઉં. બાકીનો કાંઠો અહીં નહીં કપાય. એ કાલે કોડમાં કાપવો પડશે.’ તરત કાર્યવાહી શરૂ થઈ. અમે કાનજીને ઊંધો પકડી રાખ્યો. પગ ઉપરથી ઝાલી રાખ્યો. માથું નીચે રાખીને કાંઠા ફરતી લખમણે ધીરે ધીરે મહામહેનતે ગોળી કાપી દીધી. ખાલી ગોળીનો કાંઠો કાનજીના ગળામાં રહ્યો. હરાયા ઢોરને ગળામાં ગાળિયો રહે એમ ગોળીને ખૂણામાં ફગાવી દેવામાં આવી. વહેલી સવારે ગામમાં ફંફેરો ન થાય એટલા ખાતર અમે કાનજીને ઉપાડ્યો. લખમણને જગાડી કોડ્ય ઊઘડાવી. કાનજીને શીર્ષાસન કરાવી અધ્ધર પકડી રાખ્યો. લખમણે ચોરસ કોઢાનો લાગ કરી, એક ઠેકાણેથી કાંઠો કાપવાનું શરૂ કર્યું. હથોડીના થડકારે કાનજી કણસતો…પણ શું થાય? ધીમે ધીમે કાંઠલો કપાતો ગયો અને છેવટે કાનજી મુક્ત થયો.

અમે ઘણો ખટકો રાખ્યો છતાં વાયુવેગે વાત ગામમાં ફેલાઈ ગઈ અને સોએક માણસોને સમૂહ કાનજીની મુક્તિ જોવા ઊમટી પડ્યો.

કાંઠો અને ગોળી બંને ભંગારમાં પીતાંબરદાસ કંસારાની દુકાને મોકલી આપવામાં આવ્યાં. જે રકમ આવી એ લખમણ લુહારને આપવામાં આવી. આખી વિગત તો બીજે દિવસે કંકુએ કહી ત્યારે અમે જાણી.

થોડાં વરસ સુધી કાનજીને તકલીફ રહી. નાના છોકરા એને જોઈ ‘કાનુડે કવરાવ્યાં ગોકુળિયામાં…’ શરૂ કરતા અને કાનજી ખિજાઈને પાછળ દોડતો. ગામની યુવતીઓ પણ કાનજીને ભાળી જતી તો કહેતી, ‘કંકુએ વરત માતર કર્યાં હશે નકર આવો વર ક્યાંથી મળે?’ કાનજી એમના પર ખિજાતો અને હસીને સૌ દોડી જતી.

ગામમાં ઘણી વાર બહારગામથી મહેમાન આવ્યા હોય એને તેડીને ઘરધણી કાનજીને બતાવતા અને કહેતા, ‘આ હું કહેતો હતો ઈ કાનજી.’ એક જ ભૂલે કાનજી વિનમ્ર બની ગયો. કંકુને કાંઈ પણ ક્રોધમાં કહેવા જતો ત્યાં કંકુ કહેતી, ‘ભલે મારામાં સમજણ ન હોય પણ અમે કોઈ દી ગોળીમાં માથું નાખીને ગીત નથી ગાયાં.’ કાનજી તરત નરમઘેંશ જેવો થઈ જતો.

વર્ષો પછી કાનજી પોતે પોતાની મૂર્ખાઈ પર હસી શકે એટલો નિખાલસ થઈ ગયો છે. એ જ પોતાની વાત માંડે છે. મને થોડા દિવસ પહેલાં મળ્યો અને અમે વાતોએ ચડ્યા. કાનજી મને કહે, ‘સાહેબ, આખા મલકનું લખો છો તે બે વેણ મારાંય કોક દી લખોને. ભલેને જગત જાણે. જુવાનીમાં સાહેબ, કોણ ભૂલ નથી કરતું? કોઈ જુગારમાં ઘર ને ખોરડાં હારી જાય છે તો કોઈ વ્યસનમાં અટવાઈને આખા ખાનદાનને ખેદાનમેદાન કરી નાખે છે. મેં એવું તો નથી કર્યું? સૌને બે ઘડી મોજ આવશે.’

હું કાનજી સામે જોઈ રહ્યો. મને થયું કે દરેક માણસ જાતનો સ્વીકાર કરે તો? પોતે જેવો છે તેવો સ્વીકારી લે તો? સમાજ સ્વર્ગ બની જશે.


This piece is taken from Shahabuddin Rathod’s book Hasyano Darbar.
Note: If you have any media links of songs mentioned here, kindly share them in the comments.

Advertisements

મારે ફરી એકવાર શાળાએ જવું છે

મારે ફરી એકવાર શાળાએ જવું છે. દોડતાં જઈને મારી રોજની બાંકડીએ બેસવું છે , રોજ સવારે ઊંચા અવાજે રાષ્ટ્રગીત ગાવું છે. નવી નોટની સુગંધ લેતાં પહેલા પાને , સુંદર અક્ષરે મારું નામ લખવું છે. મારે ફરી એકવાર શાળાએ જવું છે.

રીસેસ પડતાં જ વોટરબેગ ફેંકી , નળ નીચે હાથ ધરી પાણી પીવું છે. જેમ તેમ લંચબોક્સ પૂરું કરી… મરચુ મીઠું ભભરાવેલ , આમલી-બોર-જમરુખ-કાકડી બધું ખાવું છે. સાઈકલના પૈડાની સ્ટમ્પ બનાવી ક્રિકેટ રમવું છે , કાલે વરસાદ પડે તો નીશાળે રજા પડી જાય , એવાં વિચારો કરતાં રાતે સુઈ જવું છે , અનપેક્ષીત રજાના આનંદ માટે… મારે ફરી એકવાર શાળાએ જવું છે.

છૂટવાનો ઘંટ વાગવાની રાહ જોતાં , મિત્રો સાથે ગપ્પાં મારતાં વર્ગમાં બેસવું છે. ઘંટ વાગતાં જ મિત્રોનું કુંડાળુ કરીને , સાઈકલની રેસ લગાવતાં ઘેર જવું છે. રમત-ગમતના પીરીયડમાં તારની વાડમાંના બે તાર વચ્ચેથી સરકી બહાર ભાગી જવું છે. તો ભાગી જવાની મોજ અનુભવવા… મારે ફરી એકવાર શાળાએ જવું છે.

દીવાળીના વેકેશનની રાહ જોતાં , છ માસીક પરીક્ષાનો અભ્યાસ કરવો છે. દીવસભર કિલ્લો બાંધીને માટીને પગથી તોડી , હાથ ધોયા વિના ફરાળની થાળી પર બેસવું છે. રાતે ઝાઝા બધા ફટાકડા ફોડ્યા પછી , તેમાંથી ન ફૂટેલા ફટાકડા શોધતાં ફરવું છે. વેકેશન પત્યા પછી બધી ગમ્મતો દોસ્તોને કહેવા… મારે ફરી એકવાર શાળાએ જવું છે.

કેટલીયે ભારે જવાબદારીઓના બોજ કરતાં , પીઠ પર દફતરનો બોજ વગાડવો છે. ગમે તેવી ગરમીમા એરકંડીશન્ડ ઓફીસ કરતાં , પંખા વીનાના વર્ગમાં બારી ખોલીને બેસવું છે. કેટલીયે તૂટ્ફૂટ વચ્ચે ઓફીસની આરામદાયક ખુરશી કરતાં , બે ની બાંકડી પર ત્રણ દોસ્તોએ બેસવું છે. બચપણ પ્રભુની દેણ છે તુકારામના એ અભંગનો અર્થ હવે થોડો સમજમાં આવવા માંડ્યો છે. એ બરાબર છે કે નહી તે સાહેબને પુછવા માટે… મારે ફરી એકવાર શાળાએ જવું છે.

નાનો હતો ત્યારે જલ્દી મોટા થવું હતું… આજે જયારે મોટો થયો છે કે “તૂટેલા સ્વપ્નો” અને “અધુરી લાગણીઓ” કરતા “તૂટેલા રમકડા” અને “અધૂરા હોમવર્ક” સારા હતા.. આજે સમજાય છે કે જયારે “બોસ” ખીજાય એના કરતા શાળા માં શિક્ષક “અંગુઠા” પકડાવતા હતા એ સારું હતું… આજે ખબર પડી કે ૧૦-૧૦ રૂપિયા ભેગા કરી ને જે નાસ્તાનો જે આનંદ આવતો હતો એ આજે “પીઝા” મા નથી આવતો… ફક્ત મારેજ નહી આપણે બધાને ફરી શાળાએ જવું છે.


Credits: Harsh Bavaliya, an amateur story teller.

લખડો ગાંડો

છોકરાં  બધાં વાંસે વાંસે ફરે. એક મોટી ઘીંઘ. લખડો આ શેરીમાં જાય તો છોકરા એ શેરીમાં જાય, ને લખ્ડો બીજી શેરીમાં જાય તો સૌ તેમાં જાય.

“લખડો ગાં…ડો! લખડો ગાં…ડો!” કરીને બધા લખડાને ખીજવે.

લખડો શું કામ ખિજાય? એ તો એની મેળે જવું હોય ત્યાં જાય,  ને આવવું હોય ત્યાં આવે.

લખડા નો વેશ ચીંથરિયો. ચીંથરાં ચીંથરાં બાંધીને મોટો ઝભ્ભો કરેલો, એ લખડો પેહેરે. એને જોઇને ગામનાં કૂતરાં ય ભસે. નાનાં છોકરાં તો એને જોઇને ઘરમાં સંતાઈ જાય. “ઓય બાપ રે! લખડો આવ્યો.”

રસ્તામાં જે પડયું હોય તે લખડો ઉપાડે. કોડી, બંગડી, કૂંચી, ભાંગેલું તાળું, સદી ગયેલું બુતાન, તૂટી ગયેલા કાચ ના હીરા, નાખી દીધેલા ડાબલાં – જે હાથ આવે તે લખડો ઉપાડે! ને પછી એક દોરીમાં બધાંને બાંધીને મોટો હાર કરીને પહેરે.

ગામ બધું એને ‘લખડા ગાંડા’ ને નામે ઓળખે. ગાંડા જેવોજ ખરો ને? બોલે તોયે ગાંડા જેવું, ચાલે તોયે ગાંડા જેવું; એનું બધું ગાંડું ગાંડું.

છોકરાં કાંકરા મારે, તો લખડો કાંકરા લઈને ચીન્દરીંએ બાંધે. છોકરાં કેહશે: “લખડો વાં…દરો! લાખડી વાં….દરી!” તો લખડો સામે હસે. છોકરાં કહે: “લખડઆ, કૂદકા માર જોઈએ?” તો લખડો કૂદકા મારે. કહે: “રોવા મંડ જોઈએ ? ” તો લખડો રોવા માંડે.

લખડા ને ઘરે નહિ ને બારે નહિ. જ્યાં ઉભા ત્યાં એનું ઘર, અને જ્યાં ઉભા ત્યાં એનું બાર. ઠામઠીંકરું તો હોય જ શાનું કે લખડા ને સાચવવું પડે? પંડ સાથે બધું આવ્યું.

ભૂખ લાગે તો લખડો કોઈને ત્યાં જઈને ઉભો રહે ને કહે: “ખાવા દેશો?” આપે તો ઠીક, નહિ તો બીજે ઘેર। પાંચ-સાત ઘર ફરે, મળે તેટલું ખાય, નહિતર ભૂખ્યો તો રહે જ. લખડાને વાસણમાં કોણ ખાવા આપે? લખડો કહેશે: “મારા હાથમાં આપો, હું એમ ને એમ ખાઈ જાઉં.” દાળ હાથમાં લે, રોટલા ય હાથમાં લે, ને ભાતેય હાથમાં લે.

વરસાદ આવે તો લખડો ક્યાંક ભીંત વાસે ઉભો રહે. શિયાળામાં ટાઢ વાય એટલે લખડો કૂતરાંની ભાઈબંધી કરે। ગાલૂડિયાંને ને કૂતરાને પાસે સુવડાવે. કૂતરા પણ એને બહુ હળેલા. લખડો માગી આણેલ રોટલામાંથી અડધો કૂતરાને આપે ને અડધો પોતે ખાય.

કોઈ કહેશે: “આવો ગાંડો તે કેવો?” ગાળો દઈએ તો કહેશે: “ભગવાન તમારું ભલું કરશે.” પગ બળતા હોય ને જોડા આપીએ તો કહેશે: “કોઈ ગરીબને આપજો – મારા પગ જ જોડા છે.”

પુરુષો તો બધા કામમાં હોય, એ લખડાની સામેય ક્યાંથી જુએ? ઘર આગળ લખડો બેઠો હોય ને પોતે ઘેર આવે તો કહેશે: “ત લખડા! અહિં કેમ બેઠો છે?” અમલદાર આવે તો પટાવાળાને કહેશે: “આ લખડાને કાઢો અહીંથી – આંટા મારે છે, તે માળો ચોર જેવો લાગે છે!” લખડો કહ્યા પેહલાંજ ઉભો થઈને ચાલ્યો જાય.

નવરાં બૈરાંઓ લખડાને બોલાવે અને પૂછપરછ કર્યા કરે: “લખડા! તું વાણીયો કે બ્રાહમણ?”

લખડો કહેશે: “આપણે તો એકેય જાત નહિ .”

“લખડા! અલ્યા, તું જેનું તેનું ખાય છે, તે વટલાય નહિ?”

“રોટલા તો બધાના સરખા જ છે ને? એમાં વાતાલવું’તું શું?”

“અલ્યા લખડા, આ વઘારણી ખાંડી દે; બે પૈસા આપીશ.”

લખડો કહેશે: “લાવો ને બાપુ! પૈસા નું શું કામ છે? એમ ને એમ ખાંડી આપતા ક્યાં દુઃખ પડે છે? પૈસા પાછો સાચવું ક્યાં? એ પૈસા તમારે ઘેર સારા.”

લખડો દિવસ આખો આંટા માર્યા કરે. કોઈ ગાય પૂંછડે પડી હોઈ તો એને ઉભી કરે, કોઈક બિચારી બકરી ને વાણીયો મારે તો લખડો હાથથી પંપાળીને એને રમાડે, કોઈ ચકલીનું બચ્ચું માલમાંથી હેઠે પડી જાય તો પાંજરાપોળમાં મૂકી આવે.

લખડો એવું એવું કરે, દિવસ આખો ચાલ્યો જાય. રાત પડે. લખડો ગામ બહાર ચાલ્યો જાય. દૂર દૂર નદીકાંઠે એક ભોંયરા જેવો ખાડો; એમાં જઈને લખડો બેસે. ભજન કરે ને ભગવાન ભજે.

ખરેખર, લખડો શું ગાંડો હશે?

– ગિજુભાઈ બધેકા

કોઈ ભુલો પડેલો આત્મા કેવો હોય તે જાણવું હોય તો આ વાર્તા કામ લાગે.

Edible Entertainment : Dabeli

Dabeli literally means pressed in Gujarati. It is said to be invented by  Keshavji Gabha Chudasama alias Kesha Malam, resident of Mandavi, Kutch in decades of 1960. He had never imagined that the product would become popular one day. When he started business he sold a Dabeli at one anna or six paisa. His shop is still there in Mandvi and business is now carried by his next generations. Continuing with my obsession with food, I bring you an in-depth look at my favorite Gujarati snack. Compared to the light and healthy Khakra (the “world famous” gujarati snack), this one will have you dashing to a dietitian full of guilt! Dabeli The Dabeli is deceptively simple looking  like an Indian burger with fried-potato sprinkles on top. But one bite is enough to tell you that inside lies a tantalizing combination of complex flavors and textures. The taste explodes in your mouth and brings you to salivation so you just want to take bite after bite after bite. It is sweet yet with a spicy kick. It is smooth but with a surprising crunch or two. It is chewy and buttery and melts in your mouth. Though I love dabeli made at home (the second thing that I eat after reaching home), there is plenty of innovation and creativity out there. For example, at Surat, a couple of years ago, I had a chance of eating cheese-jam dabeli,  an inch-thick layer of butter and jam mounted by a grated giant block of cheese, with its soft curls hanging around. I bit into cheese-jam tentatively but soon realized that  this was probably one of the grossest and yummiest things I had every eaten. I felt like little kid, catching falling bits of cheese with my tongue and smiling between gleefully between gooey mouthfuls of cheese and jam. The last of it’s kind! If you have never ever tested Dabeli, the only possible explanation can be you have never been to Gujarat. If you don’t know where you can get your hands on a Dabeli, try this recipe and share the topping you were daring enough to experiment with! (This post was written after having Dabelis as dinner!)

Credits: fortyredbangles

મળે ન મળે

નદી ની રેત માં રમતું નગર મળે ન મળે,
ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.

ભરી લો શ્વાસ માં એની સુગંધ નો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે.

પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો,
આ હસતા ચેહરા; આ મીઠી નજર મળે ન મળે.

ભરી લો આંખ માં રસ્તાઓ, બારીઓ, ભીંતો,
પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ન મળે.

રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં ,
પછી કોઈને કોઈની કબર મળે ન મળે.

વળવા આવ્યા છે એ ચેહરા ફરશે આંખોમાં,
ભલે સફર માં કોઈ હમસફર મળે ના મળે.

વતનની ધૂળથી માથું ભરી લઉં ‘આદીલ’,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.

– ‘આદીલ’ મન્સૂરી [‘સતત’ પુસ્તક]

Leaving home for End-Semester exams at IIT Kanpur.